ધર્મસ્થાન વિભાગ - મેસરિયા (આપા જાલા ની જગ્યા)

 

 
 

           ચામુંડા માતાજીનાં જ્યાં બેસણાં છે એવા પંચાળ પ્રદેશના ચોટીલાથી ૧૫ કિ.મી. દૂર આવેલા ગામ મેસરિયા (તા.વાંકાનેર) માં આપા જાલાની પવિત્ર જગ્યા આવેલી છે. ચારે તરફ ઊંચી ટેકરીઓ, પહાડીઓ અને તેના ઉપર કુદરતે વેરલી લીલોતરી ખરેખર નયન રમ્ય લાગે છે. આ પર્વતો-ટેકરાઓને અડીને વચ્ચે જ આવેલા ગામ મેસરિયા જવા માટે બામણબોર બાઉન્ડ્રીથી વાંકાનેર જતા રસ્તા ની વચ્ચેથી નાનો પાકો રસ્તો આવેલો છે.

            આ ગામ માં રબારી અને અન્ય કોમો વસે છે એવા ગામ મેસરિયાથી થોડે જ દૂર ચારે તરફ ખેતરો અને બાજુમાં નદિ તથા ટેકરીઓની હારમાળા વચ્ચે આપા જાલાની રબારી ભાઈઓની પવિત્ર જગ્યા આવેલી છે.

          આપા જાલા સાંબડ શાખના રબારી હતા. તેઓ આ પ્રદેશમાં ગાયો ચરાવતા અને આખાએ પંચાળ મુલકમાં એમની પવિત્ર સુવાસ હતી. એમના જીવન દરમ્યાન માત્ર પ્રભુભજન અને ગાયો ચારવા માંજ જીવન વીતાવ્યું. જુદા જુદા સંતો, મહંતો સાથે પ્રભુ પ્રિતની વાતો કરી એમણે તથા તેમનાં ધર્મપત્નિએ ત્યાં જીવતાં સમાધિ લીધેલી. આ સમાધિઓ ત્યાં અત્યારે મોજુદ છે અને તેઓનાં દર્શને ઘણાં માનવીઓ આવે છે. તેમણે ઘણા પરચાઓ પણ આપેલા છે.

            આપા જાલા એ જલારામ બાપુના પહેલા અવતાર હતા. તેમણે રબારીઓને જણાવેલ કે હવે હું વીરપુર જલારામ તરીકે અવતાર ધારણ કરીશ. તેવી લોક કથા છે. જ્યારે જલારામ બાપુ પંચાળ પ્રદેશમાં તીર્થાટન કરતા હતા ત્યારે આ જગ્યાએ આવેલા અને ભક્ત સમુદાય ને જણાવેલ કે આગલા અવતારમાં હું અહીંયા હતો અને અહીં રમતો. ત્યારે કેટલાક લોકો એ શંકા કરી ત્યારે બાપુ એ જાણાવ્યું કે આ ખીજડાના ઝાડ પાસે ખોદો એ જગ્યાએથી અમારી રમવાની કોડીઓ નીકળશે. અને ત્યાં ખોદતાં ખરેખર કોડીઓ મળી આવેલી. એ જગ્યા અને વૃક્ષ અત્યારે જગ્યાના મુખ્ય દરવાજા પાસે દર્શનનો લાભ આપી રહેલ છે.

          આ જગ્યામાં ચારે તરફ દિવાલ છે. ઉતારાની જગ્યાનાં મકાન  છે. મોટો ચોક અને એક તરફ ગૌશાળા છે. વચ્ચે જ શ્રી રામચંદ્ર ભગવાનનું મંદિર છે અને તેની પાસે વડ છે. જમણી તરફ આપા જાલાની સજોડે લીધેલી સમાધિ મંદિર છે અને જલારામ બાપુની પુરા કદની સુંદર પ્રતિમા છે. મંદિરની સામેજ રસોડું. પરસાળ અને ઓરડા આવેલા છે. મંદિરની માલિકીની કેટલીક જમીન છે. જ્યાં અનાજ નું વાવેતર કરવામાં આવે છે.

 

         પ્રવૃતિઓઃ- જગ્યામાં અન્નક્ષેત્ર વિશાળ પ્રમાણમાં ચાલે છે. તબીબી સહાય, વસ્ત્રદાન, તેજસ્વી વિધ્યાર્થીઓને  શૈક્ષણિક સહાય જોરશોરથી ચાલે છે. કુદરતી આફતોના સમયે મહંતશ્રીની રાહબરી હેઠળ સેવાકાર્યો થાય છે. અને આફત ગ્રસ્ત લોકોની હરેક પ્રકારની જરૂરિયાતો પુરી પાડવામાં આવે છે. અન્નક્ષેત્ર સૌ કોઈ માટે નિરંતર ખુલ્લું રહે છે. વર્ષમાં આવતા ગુરૂપૂર્ણીમા, પંચમીના દિને ધજા સહીત વિવિધ તહેવારોની ભાવપૂર્વક ઉજવણી થાય છે.

           માનવ સેવા અને ગરીબોને મળતા મીઠા આવકારથી આ ધામ પોતાના આદર્શ કાર્યોથી આકર્ષણ રૂપ બન્યું છે. અહીંના અન્નક્ષેત્રમાં ગરીબો દિનદુઃખીયાને તેમજ સાધુ સંતોને અને અભ્યતાગર્તોને ભોજનતો અપાયજ છે પણ તે ઉપરાંત જરૂરિયાત મંદોને વસ્ત્રો અને વૈદકિય સારવાર પણ અપાય છે.આપા જાલા ની છઠ્ઠી પેઢીએ આજે પણ જગ્યામાં મહંત પ.પૂ.શ્રી બંસીદાસબાપુ ની ઉમદા સેવા ભાવનાથી એ આદર્શ કાર્યનો અદભુત વિકાસ થયો છે.

          મેસરિયા જગ્યા ખરેખર ખુબ સુંદર અને વારંવાર મુલાકાત લેવાનું મન થાય તેવી રબારી સમાજની પવિત્ર જગ્યા છે.